Adarsh Vidhyasankul Deesa
Call

+91 9727893005

આદર્શ વિદ્યાસંકુલ ડીસામાં ત્રિદિવસીય વ્યાખ્યાનમાળા

આદર્શ વિદ્યાસંકુલ ડીસામાં ત્રિદિવસીય વ્યાખ્યાનમાળા

img

આદર્શ વિદ્યાસંકુલ ડીસામાં ત્રિદિવસીય વ્યાખ્યાનમાળા અદ્ભુત રહી... બીજાના હિતમાં કોઈપણ કાર્યક્રમનું આયોજન થાય તો એ નિર્વિઘ્ન પૂર્ણ થતું હોય છે અને એ આયોજનની બધે જ નોંધ પણ લેવાય છે. પછી તે આયોજન આધ્યાત્મિક, સાંસ્કૃતિક, સામાજિક કે શૈક્ષણિક કેમ ન હોય.! દર વર્ષની જેમ આ વર્ષે પણ આદર્શ વિદ્યાસંકુલ ડીસામાં યોજાયેલી વ્યાખ્યાનમાળા ત્રણ શ્રેષ્ઠ વક્તાઓના સુંદર વક્તવ્યથી પૂર્ણ થઈ એનો આનંદ સૌને છે.

ડીસાની મધ્યમાં આવેલ આ સંસ્થા પોતાની આગવી પ્રતિભા ધરાવે છે. એની નામનાની ફોરમ દૂર દૂર સુધી ફેલાઈ છે.આ માટે સંસ્કાર મંડળ ડીસાના ટ્રસ્ટીગણ સહિત શાળા પરિવારના તમામ સ્ટાફગણનો વિશેષ ફાળો ખરો.

આદર્શની ભૂમિ જાગૃતભૂમિ છે,જ્યાં મહાન સંત પુરુષના પગલાં પડ્યાં હોય તે ભૂમિ ચેતનવંતી બને જ..એમાં જરા પણ અતિશયોક્તિ નથી. આ ભૂમિ પરથી શાળાના બાળકોમાં સંસ્કાર સિંચન થાય જ છે, તદ્ઉપરાંત આદર્શની માટીમાં સમાજ દ્વારા ઉપયોગી ઉર્જાત્મક કાર્યક્રમ પણ સમયાંતરે થતા જ રહે છે.

શાળાના બાળકો તો ગુરુજીના માર્ગદર્શન હેઠળ અવનવા કાર્યક્રમો કરીને પોતાનો સર્વાંગી વિકાસ કરી શકે પણ આ ભૂમિમાં સમાજ માટે શું થાય..? જેથી સમાજના પ્રબુદ્ધ નાગરિક સહિત દરેક મનુષ્ય કંઈક મેળવે.આ માટે શાળાના ટ્રસ્ટીગણના માર્ગદર્શન હેઠળ શાળાનો તમામ સ્ટાફગણ દર વર્ષે ડિસેમ્બર-જાન્યુઆરીમાં શ્રીમતી ચુનીબેન શાંતિલાલ વિદ્યાવિહાર વ્યાખ્યાનમાળા યોજવાનું નક્કી કર્યું.ડીસાના વતની પણ વિદેશની ધરા પર રહેતા સુરેશભાઈ કોઠારી થકી પોતાની માતૃશ્રીની યાદમાં દર વર્ષે આ વ્યાખ્યાનમાળાનું આયોજન થાય છે. આ માટે સમાજમાંથી પણ હકારાત્મક પ્રતિભાવ મળવાની સાથે વાલીઓનો પણ પરોક્ષ રીતે ફાળો મળે જ છે.

જે અંતર્ગત ચાલુ વર્ષની વ્યાખ્યાનમાળા તારીખ ૯ થી ૧૧ જાન્યુઆરી-૨૦૨૩,દરરોજ સાંજે ૭:૩૦ કલાકે યોજાઈ.જેમાં ઉચ્ચકોટીના વક્તાઓએ પોતાની વાક્છતાથી શ્રોતાગણને મંત્રમુગ્ધ કર્યા. પ્રથમ દિવસ "સાહિત્ય,સમાજ અને નાગરિક ધર્મ" વિષય આધારિત છેલ્લા ૪૦ વર્ષથી કવિ,વાર્તાકાર,નવલકથાકાર,વિવેચક,સંપાદક તથા એમ.એ.,આકાશવાણી અને દૂરદર્શન,માન્ય કવિ અને કુમારચંદ્રક,દલપતરામ એવોર્ડ વિજેતા કોલમ લેખન શ્રી હર્ષદભાઈ ત્રિવેદીએ ખૂબ જ સુંદર રીતે સાહિત્યના લગતી વાતો કરી હતી.

સાહિત્ય સમાજ સાથે પણ જોડાયેલ છે.સમાજની સંવેદનાત્મક ઘટનાઓ થકી જે સાહિત્ય ઉપજે તે ગહનશીલ હોય છે. કોઈપણ કવિતા, લેખ, વાર્તા, નવલિકા કે લઘુકથા કંઈ એમનેમ રચાતી નથી, તેમાં સર્જકની ભાવ સંવેદના જાગૃત થાય છે. અને એના પરીરૂપ ઉદભવતું સર્જન અદ્ભુત હોય છે.

સાચો સર્જક કોઈ દિવસ બીજાની ખુશી કે વાહ વાહ માટે લખતો નથી. એ તો એના અંતરના આનંદને મેળવવા માટે કંઈક સર્જન કરતો જ રહે છે. સર્જક એ ઈશ્વર પ્રેરિત લખતો હોય એવું લાગે. ઘણીવાર એ ભવિષ્યમાં બનવાની ઘટનાઓનો પણ ચિતાર રજૂ કરી દેતો હોય છે. ઉત્તમ સર્જક બનવું એ પણ ઈશ્વર દ્વારા મળેલ ઉત્તમ ભેટ છે અને ઉત્તમ સર્જનથી સર્જકને મળતો આનંદ અકલ્પનીય છે.

બીજા દિવસે "ત્રણ વરદાન" વિષય ઉપર પર્યાવરણ ઇજનેર,નિષ્ણાત અને કેનેડામાં ટેકનોલોજી કોલેજના પ્રોફેસર ડૉ. જગદીશભાઈ બારોટે પોતાની આગવી શૈલીથી વક્તવ્ય આપ્યું હતું. તેમાં ઉમાશંકર જોશી રચિત "ત્રણ વાણા મુજને મળ્યા હૈયું મસ્તક ને હાથ,ચોથું નથી માંગવું બહુ દઈ દીધુ દીનાનાથ." આ પંક્તિને ટાંકીને શ્રી જગદીશભાઈએ "હૈયુ ,મસ્તક અને હાથ.." આપણા માટે કેવી રીતે વરદાનરૂપ છે એની સરસ વાત કરી હતી. માણસને માત્ર ધાર્મિક રહેવાની જરૂર નથી, પણ સાથે સાથે બીજાને ઉપયોગી પણ બનવાનું છે.માણસ ધારે તે કરી શકે એમ છે,એને જરૂર છે માત્ર પ્રોત્સાહનની. જીવનમાં વ્યસનને તિલાંજલી આપીને શિક્ષણ અને સખત મહેનતને અપનાવવાની છે. કોઈપણ કાર્યમાં માત્ર દેખાવ ન કરતાં અંતરના આનંદને પ્રાપ્ત થાય તે રીતે કામમાં લીન થવું પડશે.

"કબુતરનું ઘૂ ઘૂ ઘૂ ને ચકલા ઉંદર ચૂં ચૂં ચૂં.." આ કવિતા માત્ર બાળકોના આનંદ ખાતર પક્ષીની વાત નથી. પણ આ ગીતમાં ભાવ સંવેદના જોડાયેલ છે, તેની વાત ઉપરોક્ત બંને વક્તાઓએ ખૂબ જ બખૂબી રીતે કરી હતી.

વ્યાખ્યાનમાળામાં ત્રીજો દિવસ "ગુજરાતનો ભૂલાયેલો ઇતિહાસ" વિષય આધારિત રહ્યો હતો.પત્રકારિતામાં સ્નાતક,અને નઈ દુનિયા,સહારા સમય,દૈનિક ભાસ્કર સાથે સંલગ્ન તથા શ્રેષ્ઠ રિપોટીંગના અનેક એવોર્ડ મેળવેલ ઉપરાંત મધ્યપ્રદેશ સૂચના આયુક્ત શ્રી વિજય મનોહર તિવારીજીએ પોતાની આગવી શૈલીથી હિન્દીમાં ખૂબ જ ઊંડાણપૂર્વક,ગહનશીલ અને સચોટ ઉદાહરણરૂપ વક્તવ્ય આપ્યું હતું.

આઝાદી પહેલા અને પછી ભારતના ઇતિહાસની સાચી સ્થિતિ શું હતી એ વિશે મનોહર તિવારીએ ખૂબ જ ઉંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે.સાચા ઇતિહાસને ઢાંકી દેવામાં આવ્યો છે, ફિલ્મની તસવીરની માફક અમુક બાબતો આપણને ચિત્રાત્મક બતાવી દેવામાં આવી છે.જ્યારે ખરી હકીકત કંઈક બીજી જ છે.

ગુજરાતના ઇતિહાસની મનોહર તિવારીએ વાત કરી ત્યારે ઉપસ્થિત શ્રોતાગણ મંત્રમુગ્ધ બનીને સાંભળી રહ્યા હતા.હૃદયદ્રાવક સચોટ ઉદાહરણથી મનોહરજીએ જે વિસ્તૃત ચર્ચા કરી ત્યારે બે ઘડી એ શબ્દ શ્રોતાગણના હૃદય સાંસરવા નીકળી જ ગયા હશે. ભારતમાં કંઈક ચેતના છે તે દ્વારા માણસ ટકી રહ્યો છે.નહિતર વિધર્મી કે શત્રુઓએ ભારત કે ગુજરાતને ખોખલો કરવામાં કંઈ જ બાકી રાખ્યું નથી. આદિ શંકરાચાર્યની વાતને ટાંકીને મનોહર તિવારીજીએ ભારત અને ગુજરાતમાં રહેલી આધ્યાત્મિક ઊર્જાની પણ પ્રશંસા કરી હતી.

ત્રણેય દિવસની વ્યાખ્યાનમાળાને સફળ બનાવવામાં સંસ્કાર મંડળ ડીસાના ટ્રસ્ટીગણ, આદર્શ વિદ્યાસંકુલ ડીસાના પ્રિન્સિપાલ શ્રી કે.પી.રાજપૂત અને શ્રી પ્રવીણભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તમામ સ્ટાફગણનો ફાળો અનન્ય છે, સાથે સાથે આ ત્રિદિવસીય કાર્યક્રમમાં શ્રોતાગણ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સાચી રીતે માણ્યો ત્યારે તેઓ પણ શુભેચ્છાને પાત્ર ખરા.